ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના મામલા સામે આવે છે, જેમાં તેજ રફતારનો કહેર પણ જોવા મળે છે. ત્યારે હાલમાં 28 માર્ચે શુક્રવારના સવારના સમયે અમદાવાદના ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ અને XUV કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો. સ્ટેન્ડ પર બસ પેસેન્જર લેવા ઊભી હતી અને આ દરમિયાન જ પાછળથી આવી રહેલ તેજ રફતાર XUV બસ સાથે ધડાકાભેર અથડાઈ.
આ અકસ્માતમાં ડ્રાઇવરની બાજુની સીટ પર બેસેલ વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યુ છે, જ્યારે કારચાલક પ્રકાશકુમાર સિંઘ ઇજાગ્રસ્ત થયો છે. ટક્કરને કારણે બસમાં ચડતા પેસેન્જરો પણ ઈજાગ્રસ્ત થયા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ મળી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર એટલી સ્પીડમાં હતી કે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ અને તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. AMTS અને XUVની ટક્કર એવી ભયાનક હતી કે ફસાયેલા વ્યક્તિને કાઢવા માટે ચારે તરફથી પતરાં કાપવાં પડ્યાં હતાં. જો કે આ અકસ્માતની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
જણાવી દઇએ કે, શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બીંગ ઓપરેશન ચાલુ છે અને વાહનચેકિંગ તેમજ પીધેલાઓને પકડવા શંકાસ્પદ વાહનચાલકોના બ્રેથ એનેલાઈઝરથી ટેસ્ટ કરાઇ રહ્યા છે. બે દિવસમાં કુલ 137 લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે જેમાં 66 જેટલી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હવે એવું લાગી રહ્યુ છે કે 24 કલાક ડ્રિંક એન્ડ ડ્રાઇવ ઝુંબેશની જરૂર છે.